Logo

“The greatest religion is to be true to your own nature. Have faith in yourselves.”

– Swami Vivekananda

છાત્રાલયનો ઇતિહાસ

શિક્ષણધામ વલ્લભવિદ્યાનગરમાં આપણા સમાજના વિદ્યાર્થીઓ વર્ષોથી ઘણી મોટી સંખ્યામાં વિદ્યાભ્યાસ માટે આવતા રહે છે. ભવિષ્યમાં પણ તેમાં વધારો થશે જ એ માટે શંકાને કોઈ સ્થાન નથી.

સરસ્વતીના ઉપાસકોને વલ્લભવિદ્યાનગરમાં વિદ્યામંદિરની સાથે-साथ ચિંતન-મનન કરવા માટેનો ઓટલો કે પોતાનીકું વ્યવસ્થિત નિવાસ સ્થાન ઉપલબ્ધ થાય અને સિદ્ધિ મેળવવા અનુષ્ઠાન કરી શકે તેવી પવિત્ર જગ્યા હોવી અનિવાર્ય છે. આ પ્રકારની કલ્પનાનું આપણા જ સમાજના વિદ્યાપ્રેમીઓ, ઉપાસકો અને ભામાશાઓના મનમંદિરમાં સ્ફુરણ થયું. એ જ કલ્પનાના મજબૂત પાયા પર તારીખ: ૦૭-૦૯-૧૯૬૯, શનિવાર જેવા બળવાન દિવસે અમદાવાદ મુકામે શ્રી નરસિંહભાઈ ઉકાભાઈ પટેલના નિવાસ સ્થાને સાંજના ૦૬:૩૦ કલાકે ૪૫ જેટલા જ્ઞાતિબંધુઓ ઉપરોક્ત કલ્પનાને પ્રબળ વિચાર બનાવવા એકત્રિત થયા હતા. અને અહીં વલ્લભવિદ્યાનગરમાં છાત્રાલય નિર્માણનું આયોજન થયું. ત્યારે બેઠકના પ્રમુખસ્થાને આદરણીય શ્રી નવલરામ નરભેરામ પટેલ દ્વારા ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ આ નામની ઘોષણા કરી અને મંડળની સૌ પ્રથમ એડહોક કમિટીની રચના થઈ જેમાં ૨૨ સભ્યશ્રીઓ હતા.

Hostel Building
પ્રારંભિક છાત્રાલય ઇમારત

કોઈ પણ રાષ્ટ્રના અસ્તિત્વ માટે ધરતી, પ્રજા અને સંસ્કૃતિ અનિવાર્ય છે, તેમજ આપણા મંડળના છાત્રાલય માટે પણ જમીન જરૂરી હતી જ. શ્રી નારણભાઈ હંસરાજભાઈ પટેલ – અમદાવાદ કે જેમણે છાત્રાલયનું સ્વપ્ન સાકાર કરવા માટે પોતાના નાણાંનું રોકાણ કરીને લગભગ ૨ વીધા જેટલી જમીન ખરીદી, જે આપણું સૌ પ્રથમ સોપાન ગણાયું. ત્યારબાદ તારીખ: ૧૫-૦૨-૧૯૬૯ ના રોજ એ જમીન ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ ના નામે કરવામાં આવી.

નવજાત જમીન ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ ના વિકાસ માટે તારીખ: ૦૯-૦૩-૧૯૬૯ ના રોજ મળેલ બેઠકમાં મંડળનું બંધારણ ઘડવામાં આવ્યું અને સૌ પ્રથમ એવી ૧૫ સભ્યશ્રીઓની કારોબારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું. તારીખ: ૧૬-૦૩-૧૯૬૯ ના રોજ મંડળનું રજીસ્ટ્રેશન થયું. ત્યારબાદ તારીખ: ૦૬-૦૩-૧૯૭૦ સુધી સંજોગવશાત કામકાજમાં ઓટ આવ્યો, ત્યારે કલ્પનાને મૂર્તિમંત કરવા માટે આયોજન કરવાનો અનોખો દિવસ આવ્યો ત્યારે. આ વિચારકના જન્મદાતાઓમાંના એક એટલે આદરણીય શ્રી નવલરામ નરભેરામ પટેલની અનુપસ્થિતિ સૌ કોઈને ખેદ પમાડતી હતી. પરંતુ અત્યંત દુઃખ સાથે સૌએ સ્વીકારવું પડ્યું કે તેઓ શ્રી ઇહલોકની વિદાય લઈને પરલોક સિધાવ્યા છે.

“જે વાવણી કરે છે એજ લણણી પણ કરે છે.”

તારીખ: ૨૯-૦૬-૧૯૭૦ ના રોજ સ્વપ્નસૃષ્ટિના દ્રષ્ટાનું દેહાવસાન થયું હતું. ૧૯૭૦ માં છાત્રાલય માટે સૌપ્રથમ ૧૦ રૂમો બનાવવાનો આયોજન થયું, જેમાં દરેક રૂમમાં ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓ રહી શકે. ૧૯૭૧ માં આ ૧૦ રૂમો તથા ૧ સેનિટરી બ્લોકનું બાંધકામ પૂર્ણ થયું, ત્યારબાદ સૌના આનંદની કોઈ સીમા ન હતી. ૧૯૬૯ થી ૧૯૭૧ એમ ૧૦ વર્ષનો સમય વિતાવ્યા બાદ શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના દાતાઓનું સ્વપ્ન મૂર્તિમંત થયું, જે સ્પષ્ટ રીતે કહી આપે છે કે જે વાવણી કરે છે એજ લણણી પણ કરે છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ પાસે થી વિજળી ખર્ચ લઈને રહેવાની સગવડ ઉપલબ્ધ કરી હતી, ત્યારબાદ વ્યવસ્થાને પહોંચી વળવા માટે રૂ. ૧૧૦ જેવી સત્ર ફી લેવી પડતી હતી.

સ્વાભાવિક છે કે એક વસ્તુ પ્રાપ્ત કર્યા બાદ બીજી મેળવવા માટે પ્રયત્ન અવશ્ય થવાના જ, અને એ જ પ્રમાણે આગળ ને આગળ વધુ પ્રાપ્તિ માટે અનિવાર્ય પ્રયાસો થતા જ રહે છે, એ જ ઉક્તિ આપણા મંડળ માટે સાર્થક બને છે. જ્યારે શૂન્ય હતું ત્યારે ફક્ત કલ્પના ઉદભવી. કલ્પનાના ઉદભવ બાદ પ્રબળ વિચાર, પ્રયત્ન, સફળ આયોજન અને ત્યારબાદ ૧૦ રૂમોની સગવડવાળું છાત્રાલય પ્રાપ્ત થયું.

હવે આગળ વધારેએ વિકાસ કરવા માટે વિચાર થયો, ૧૯૭૦ માં એ પ્રયત્નો શરૂ થયા. ફંડ એકત્રિત કરવું, મકાન બાંધકામ આયોજન તથા ખર્ચનો અંદાજ વિગેરે. છાત્રાલયનું સ્વપ્ન મૂર્તિમંત કરવા માટે શરૂઆતથી જ અનેક મહાનુભાવોનુ યોગદાન રહ્યું જ છે. સૌ કોઈએ તન, મન અને ધનથી અત્યંત પ્રશંસનીય અને ઉત્સાહસભર કાર્ય કરેલું છે. જે વર્તમાન પરિસ્થિતિમાં તથા વાતાવરણમાં કલ્પી શકાય તેમ નથી.

Students Group
વિદ્યાર્થીઓ સાથેનો સ્મૃતિ ક્ષણ

૧૯૬૯ માં વાવેલું બીજ ૧૯૭૧ માં એક તંદુરસ્ત છોડ બન્યું અને એ જ છોડ ૧૯૭૯ માં વટવૃક્ષ સમાન વિરાટ સ્વરૂપમાં પરિણમ્યો. તથા સમયાંતરે આવશ્યક એવા ભૌતિક ફેરફારો ૨૦૦૯-૨૦૧૦ માં કર્યા બાદ આજે આપણા સમક્ષ કુલ ૬૫ રૂમો, ૬ સેનિટરી બ્લોક, ૨ પાણીની ટાંકી, ઠંડા-ગરમ પાણીની વ્યવસ્થા સાથેનું ૫૫૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કરતું ભવ્ય છાત્રાલયની ૧ ઇમારત અને કાર્યાલય, વાંચનખંડ, પ્રાર્થનાખંડ, अतિથિગૃહ તથા ૨૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય એવી બીજી ઇમારત એ આપણા મંડળના જન્મદાતા, પાલકોની અપ્રતિમ મહેનત તથા પ્રયત્નોનું મૂર્તિમંત સ્વરૂપ છે.